– આર્મી અને કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓ જખૌ અને કોટેશ્વરની મુલાકાતે
પાકિસ્તાની બોટોની ઉપરાઉપરી ઘૂસણખોરી પકડાતાં બીએસએફએ ક્રીકમાં સર્ચ-ઓપરેશન તેજ બનાવ્યું છે તો દેશની અન્ય સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓની અરબી સમુદ્ર અને ક્રીક વિસ્તારમાં આવનજાવન ચાલુ થઇ છે. હરામીનાળા વિસ્તારમાં સપ્તાહ પૂર્વે 11 અને બે દિવસ પહેલાં વધુ 7 પાકિસ્તાની બોટ બિનવારસી હાલતમાં મળી હતી.
BSFએ તપાસ અભિયાન શરૂ કર્યું
માછીમારોની મનાતી 18 બોટ ઉપરાંત 6 પાકિસ્તાની એક જ અઠવાડિયામાં પકડવાને પગલે બીએસએફે એરફોર્સના ઇન્પુટને ધ્યાનમાં લઇને તપાસ અભિયાન ચલાવ્યું છે અને હજુ 1થી 4 બોટ ક્રીકમાં મળવાની સંભાવના છે. એ વચ્ચે શુક્રવારે સવારે મેજર જનરલ વિપુલ અધિકારીઓ સાથે બે હેલિકોપ્ટરમાં કોટેશ્વર આવી પહોંચ્યા હતા અને બાય રોડ લક્કી નાળા જઇને ત્યાંથી સ્પીડ બોટ દ્વારા ક્રીક વિસ્તારનું જાતે નિરીક્ષણ કર્યું હતું. તેમણે કોટેશ્વર અને લક્કીનાળાની સીમા ચોકીઓની મુલાકાત પણ લીધી હતી.
કોસ્ટગાર્ડના આઈજીએ ક્રીક વિસ્તારનું નિરીક્ષણ કર્યું
બીજી બાજુ, કોસ્ટ ગાર્ડના આઇજી એ.કે. હરબોલા જખૌ બંદરે જઇ પહોંચ્યા હતા. ત્યાંથી કોસ્ટગાર્ડ મથકની મુલાકાત બાદ અરબ સાગરમાં હોવરક્રાફ્ટ સાથે કોટેશ્વર ગયા હતા અને તેમણે પણ ક્રીક વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. બીએસએફ કેમ્પની મુલાકાત લીધી હતી તેમજ કોટેશ્વર, નારાયણ સરોવરના દર્શન કરી પરત બાય રોડ ગયા હતા. કોસ્ટગાર્ડના આ અધિકારીની મુલાકાત મહત્ત્વની લેખાય છે, કેમ કે અરબી સમુદ્રમાં કોસ્ટગાર્ડની મુખ્ય ભૂમિકા છે, વળી, સાગરમાંથી ઝેરી દ્રવ્યોના મોટા જથ્થા ઝડપાયા, ભારતીય માછીમારોના અપહરણ અને નાપાક ઘૂસણખોરીના બનાવો બનતા રહ્યા છે.
એજન્સીઓ વચ્ચે સારો તાલમેલ
કચ્છની સમુદ્ર અને ક્રીક સરહદોએથી થતી વિવિધ પ્રકારની નાપાક પ્રવૃત્તિઓ ગંભીર હોવાથી લગભગ તમામ સલામતી એજન્સીના વડાઓ જાત નિરીક્ષણ માટે આવી રહ્યા છે. કચ્છ સરહદ સ્થિત તમામ એજન્સીઓ હાલમાં ભારે સક્રિય અને સતર્ક છે અને તેમના વચ્ચે સારું સંકલન અને તાલમેલ છે.
Leave a Reply