– ખાનગી, ગ્રાન્ટેડ અને સરકારી 1800 જેટલા શૈક્ષણિક સંકુલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ
– એક મહિના બાદ શાળાઓ શરૂ થઈ બાળકો- શિક્ષકોમાં ઉત્સાહ જો કે, સેનેટાઈઝની કોઈ વ્યવસ્થા નહિં
– પ્રથમ દિવસે 22 ટકા હાજરી
૩૦ દિવસ પછી સોમવારથી ધો.૧ થી ૯ નું ઓફલાઈન શિક્ષણ આજે શરુ થયું હતુ. પ્રથમ દિવસે શાળાઓમાં સરેરાશ ૨૨ ટકા બાળકોની માંડ હાજરી જોવા મળી હતી. કોરોનાના કેસોમાં ઘટાડો થવાના લીધે ધો.૧થી ૯ નું ઓફલાઈન શિક્ષણ બાળકોને શાળામાં જતાં શિક્ષકો ઉત્સાહીત જણાયા હતા. અત્યાર સુધી ઓનલાઈન શિક્ષણ મેળવતા કચ્છ જિલ્લાની ૧૮૦૦ આસપાસ પ્રાથમિક શાળાઓના કુલ ૩૪૩૦૬૬ બાળકોને ઓફલાઈન શિક્ષણ આપવાની શરુઆત થઈ હતી. આજે પ્રથમ દિવસે ૭૬૬૧૧ બાળકો હાજર રહ્યા હતા.
કોરોનાના કેસ વધતાં સરકાર દ્વારા ધો.૧ થી ૯ ની શાળાઓમાં ૮ જાન્યુઆરીથી ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું. સરકાર દ્વારા ૩૧ જાન્યુઆરી સુધી ઓફલાઈન શિક્ષણ બંધ રાખવા માટેનો નિર્ણય લેવાયો હતો અને સરકારે પછીથી મુદત વધારી હતી જેમાં પ ફેબુ્રઆરી સુધી ઓફલાઈન શિક્ષણ બંધ રહ્યા પછી હવે કોરોનાની ત્રીજી લહેર ઓછી થતાં ફરીથી ઓફલાઈન શિક્ષણ શરુ થયું છે. કચ્છ જિલ્લાની સરકારી અને ખાનગી મળી કુલ- ૧૮૦૦ શાળાઓમાં સરકારના આદેશ પછી પુન ઓફલાઈન વર્ગો શરુ કરવામાં આવ્યા પરંતુ ૩૦ દિવસ પછી શાળાઓમાં શિક્ષણ કાર્ય શરુ થયું હોવાથી પ્રથમ દિવસે મોટાભાગના વિસ્તારોમાં વિદ્યાર્થીઓની ઓછી હાજરી જોવા મળી. આગામી દિવસમાં દ્વિતીય કસોટીનો પ્રારંભ થવાનો હોવાથી શાળાઓ દ્વારા ઓનલાઈન પરીક્ષાની અગાઉથી તૈયારી કરવામાં આવ્યા પછી હવે વર્ગખંડોમાં ઓફલાઈન શિક્ષણ શરુ થતાં શિક્ષકો પણ અવઢવમાં મૂકાયા છે. મોટાભાગની શાળાઓમાં સરકારે ગાઈડલાઈન જાહેર કર્યા પછી સેનેટાઈઝર સહિતની વ્યવસ્થા ગોઠવી ન હોવાથી કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થવાની દહેશત પણ વાલીઓને હજુ સતાવી રહી છે.
Leave a Reply