“એ અત્યંત દર્દનાક ક્ષણોને યાદ કરતાં આજેય મારું કાળજુ કંપી ઉઠે છે!!! મધદરિયે ઉછળતી ભરતીઓ વચ્ચે ચોતરફ મોત ઘૂંઘવાટા મારી રહ્યું હતું. મારા ‘નૂર’ના રુંધાતા શ્વાસ અસહ્ય વેદનાથી મને ઘમરોળી રહ્યા રહ્યા હતા. એવી કટોકટીની ઘડીમાં ફરિસ્તા બનીને આવેલી અદાણી પોર્ટની ટીમે જાનની બાજી લગાવી મારા પૂત્રને નવજીવન બક્ષ્યું”. આટલુ બોલતા જ કાસમભાઈનું હૃદય ભરાઈ આવ્યુ અને આંખો ભીંજાઈ ગઈ. આ વાત છે મુંદ્રા નજીક જૂના બંદર ખાતે રહેતા માછીમાર કાસમ જામના પૂત્ર નૂર મહોંમદની.
માછીમારીના વ્યવસાયથી જીવનનિર્વાહ કરતા કાસમભાઈનો પરિવાર આમતો બારેય મહિના રાત-દિવસ દરિયાલાલની ગોદમાં આળોટતો રહે છે. દરરોજની જેમ એ દિવસે પણ નૂર પોતાના પૂત્ર સાથે મબલખ માછલીઓ મેળવવા મધદરિયે પહોંચી ગયો હતો. પરંતુ અચાનક ત્રાટકેલા હૃદય રોગના હુમલાથી તેનો શ્વાસ રુંધાવા લાગ્યો. દરિયાની ઉંચી-ઉંચી છોળો વચ્ચે સાદ પાડે તો સાંભળેય કોણ? વળી બંદર સુધી પહોંચવામાં ઓછામાં ઓછા બે કલાક લાગે તેમ હતા. તેવામાં અદાણી પોર્ટના મરીન ડિપાર્ટમેન્ટ તરફ મદદનો હાથ લંબાવ્યો અને પોર્ટની ટીમ નૂરનો જીવ બચાવવા મરજીવાની જેમ એક્શન મોડમાં આવી ગઈ.
મુંદ્રા અદાણી પોર્ટ પર આ મેડિકલ ઈમરજન્સીની જાણ થતાં જ ફરજ પરના અધિકારીઓ એકદમ એલર્ટ થઈ ગયા. દર્દીને ઘટનાસ્થળેથી જેટી સુધી તાબડતોબ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી. એટલું જ નહી, જેટી પર ઉતરતાં વેંત જ નૂરને એમ્બ્યુલન્સ દ્વારા મુંદ્રા પોર્ટની હોસ્પિટલ સુધી પહોંચાડવા ગ્રીન કોરિડોર ઉભો કરવામાં આવ્યો. મેરિન ડિપાર્ટમેન્ટે પોર્ટની જેટી પર એમ્બ્યુલન્સની વ્યવસ્થાની સાથોસાથ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ સાથે સંકલન સાધી ગ્રીન કોરિડોર ઉભો કર્યો અને નૂરને હોસ્પિટલ સુધી પહોંચાડવા એડીચોટીનું જોર લગાવ્યું.
તાત્કાલિક ઈમરજન્સી સારવાર મળતાં જ નૂરના રુંધાતા શ્વાસ બરાબર ચાલવા માંડ્યા પણ હજુય જીવનું જોખમ સંપૂર્ણપણે ટળ્યુ ન હતું. તજજ્ઞ તબીબોની સલાહ માની તેને ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને તેના પર શસ્ત્રક્રિયા કરવામાં આવી. આખરે નૂર મહોંમદના પ્રાણ પરનું સંકટ ટળી જતા તેના પરિજનોના જીવમાં જીવ આવ્યો અને પોર્ટની ટીમને પણ હાશકારો થયો.
નૂરને સમયસર તબીબી સારવાર ન મળી હોત તો, કદાચ તેનો જીવ બચાવી શકાયો ન હોત. અદાણી પોર્ટના મરીન વિભાગે મુંદ્રા હોસ્પિટલ, કોસ્ટગાર્ડ્સ અને સિક્યુરીટીઝ વગેરેનું સફળતાપૂર્વક સંકલન કરી આ અઘરુ ઓપરેશન સુપેરે પાર પાડ્યું. મોતને મ્હાત આપી ચૂકેલા માછીમાર નૂરના પિતા કાસમભાઈ જણાવે છે કે ” અમારો પરિવાર અદાણી પોર્ટ તરફથી મળેલી મદદ ક્યારેય ભૂલી નહીં શકે, અમો હંમેશા તેમના આભારી રહીશું”.
આ અંગે APSEZ ના એક્ઝિક્યુટિવ ડાઇરેક્ટર રક્ષિતભાઈ શાહ જણાવે છે કે, “બચાવનાર તો ઉપરવાળો છે અમે તો માત્ર નિમિત્ત બન્યા છીએ, અદાણી પોર્ટ માનવતાના મૂલ્યોનું રક્ષણ કરવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે અને સદૈવ રહેશે, અમે નૂર મહોમંદની મદદ કરી શક્યા તેનો અનહદ આનંદ છે. ભવિષ્યમાં અમે આસપાસના લોકોની સેવા માટે હંમેશા તત્પર રહીશું”
ઝંઝાવાતી ભરતી અને ઓટ વચ્ચે ઝઝૂમતા માછીમારોના વ્યવસાયમાં જીવનુ જોખમ હર હંમેશ તોળાતુ રહે છે. જો કે કુદરતી આફતને હાથતાળી આપવામાં માહિર આ સમાજ ક્યારેક સ્વયંના સ્વાસ્થ્યની સમસ્યાઓ સામે હારી જતો હોય છે. એવા અણીના સમયે યમદૂત સામે દેવદૂત બની આવેલી અદાણી પોર્ટની ટીમે માનવતાની મહેકને જીવંત રાખવાનું ઉમદા અને પ્રસંશનીય કાર્ય કર્યુ છે.
Leave a Reply